આજ ના શુભ દિવસે હું મારા જીવન માં નવી કારકિર્દી ની શરૂઆત કરવા જઈ રહ્યો છુ...! હા... તમે બરોબરજ વાંચ્યું છે, "નવી કારકિર્દી". બન્યું એવું કે છેલ્લા ઘણા સમય થી હું નિયમિત એક ગુજરાતી છાપુ વાંચું છુ. છાપા નું નામ છે "ગુજરાત સમાચાર" અને એમાં પણ દર બુધવારે આવતી પૂર્તિ "શતદલ" અને એમાં પેલ્લે થી અને છેલ્લે થી વચ્ચે ના પાના પર કશેક "બુધવાર ની બપોરે" નામનો એક સાપ્તાહિક લેખ આવે છે, જેના લેખક છે શ્રીમાન અશોકભાઈ દવે. નામ મુજબનાજ તેમનામાં ગુણો હોય એવી તેમના લેખો વાંચ્યા બાદ મને અનુભૂતિ થાય છે. (મારું બસ ચાલતું હોત તો હું ક્યારનોય તેમને "પદ્મવિભુષણ" થી નવાજી દેતો.). હું નિયમિત તેઓના લેખાંકો વાંચું છુ અને એમની "બુધવારની બપોરે", બુધવારની સવારે વાંચવાથી મારો બુધવાર નો આખે આખો દિવસ ખુબજ મઝાનો પસાર થાય છે. એમનું લખેલું બધું વાંચવાની ખાસ તો એટલા માટે મઝા આવે છે કારણકે એમના શબ્દો, ભાષા અને વિષય માં આપણી રોજીંદી જીવનશૈલી વણાયેલી હોય એવી અહાલાદક અનુભૂતિ થાય છે. આજે એમના લેખાંકો વાંચ્યા બાદ મને પણ કંઈક લખવાનો વિચાર આવ્યો એટલે એમના માંથીજ થોડી પ્રેરણા લઈને આજે લખવા બેઠો છું. કદાચ એમની જેમ ઉત્તમ અને ગુણવત્તાસભર શબ્દો નો ઉપયોગ ન કરી શકું, પણ હા... "પ્રયોગ" જરૂર કરીશ. તો હવે ચાલો, મેં મારા નાના મગજ માં જે કઈ વિચાર્યું છે એને અહી તમારી સમક્ષ શબ્દોમાં, પછી વાક્યોમાં અને આખરે એક સારા લેખાંકમાં ગોઠવવાની કોશિશ કરું.
હજુ ગઈકાલની જ વાત છે. હું તેના લગ્નમા પહેરવા માટે શેરવાની ભાડેથી લઇ ગયેલો એ પાછી આપવા માટે દુકાને ગયો હતો. ત્યાં દુકાનમા મને સવાર - સવારમાજ દીવા કાકા નો ભેટો થઇ ગયેલો. દીવા કાકા અમારા ઘર થી નજીકમાંજ રહે છે. અમારા પારિવારિક સબંધો પણ ખુબ સારા છે અને એમને અમારા ઘરનાં દરેક સભ્ય સાથે સારું બને. એમની ઉંમર આશરે પચાસ વર્ષની અને સ્વભાવે પણ સારા. એમના પરિવારમાં કાકી અને એમની એકની એક દીકરી ટીન્કી. હું એમને પુરા માન સન્માનથી "દીવા કાકા" કહીનેજ સંબોધું, પણ તેઓ મને કાયમ "અમથો" કહીનેજ બોલાવે છે (આજે પણ). મેં એમને જોયા એટલે સ્વાભાવિક રીતે એમને પૂછ્યું, "દીવા કાકા, કેમ છો..? તમે કેમ અહિયાં..?"
ત્યારે એમણે સામો 'જવાબ' ફેંક્યો, "અરે, અમથા...તું અહિયાં ક્યાંથી ભૂલો પડ્યો...?".
"કાકા, અમે લગ્ન મા વડોદરા ગયેલા, તો શેરવાની પહેરવા માટે ભાડે લઇ ગયેલો એ પાછી આપવા માટે આવ્યો છું." મેં સ્મિત સહ જવાબ આપ્યો.
"પેલા અમેરિકા વાળા પરિવાર સાથે સબંધ થયો એજ ને..? (ખબર હોવા છતાં પૂછ્યું...) અને સાંભળ્યું છે કે એ પરિવાર છેલ્લા અઢાર વર્ષોથી અમેરીકામાંજ સ્થાયી છે અને "ગ્રીનકાર્ડ" પણ ધરાવે છે...!" એમણે મને એટલા ખુશ થતા થતા પૂછ્યું (અથવા કીધું) કે જાણે ટીન્કી નાં લગ્ન થયા હોય...!!
મેં એકજ અક્ષર મા જવાબ વળ્યો, "હા..".
"પણ દીવા કાકા, તમે અહિયાં શું લેવા માટે આવ્યા છો...?" સવાલ પૂછવાનો વારો હવે મારો હતો. મોકો મળ્યો એટલે તરતજ પૂછી નાખ્યું.
"અમારે પણ અમદાવાદ તારી કાકી ના ભાઈની દીકરી ના લગ્નમાં જવાનું છે એટલે મારા માટે શૂટ ભાડે લેવા માટે અને ટીન્કી માટે સુંદર ચણીયા ચોળી ખરીદવા માટે આવ્યો છુ."
(હું એમની સામે એકી ટસે તાકી રહ્યો હતો. કારણકે એના સિવાય મારી પાસે બીજો કોઈ 'ઓપ્સન' પણ નોહતો)
આગળ ઉમેરતા એમણે કહ્યું, "એના લગ્ન પણ અમેરિકા સ્થિત એક છોકરા સાથે નક્કી થયા છે. એવું સાંભળ્યું છે કે છોકરો છેલ્લા ત્રણ-ચારવર્ષ થી અમેરીકામાંજ છે અને આવતા એકાદ વર્ષ પછી એને પણ "ગ્રીનકાર્ડ" મળી જશે."
પાછુ બીજી વાર એમના મોઢે "ગ્રીનકાર્ડ" શબ્દ સંભાળ્યો એટલે મેં અમસ્તાજ એમને એનો મતલબ ખબર છે કે નહિ એ જાણવા માટે પ્રેમથી પૂછી નાખ્યું, "કાકા, 'ગ્રીનકાર્ડ' એટલે શું...?"
એમને પણ મને ધમકાવતા હોય એ રીતે હસતા હસતા જવાબ આપ્યો. પણ એ પેહલા સવાલ પણ પૂછી નાખ્યો, "અરે અમથા, તને એટલું પણ નથી ખબર ક 'ગ્રીનકાર્ડ' કોને કેહવાય..?" (મેં મારી આંખો મોટી કરી અને 'બાગ્ઘા' ની જેમ એમની સામે તાકી રહ્યો). "ગ્રીનકાર્ડ નો મતલબ એ થાય કે વ્યક્તિ ત્યાનો (અમેરિકાનો) કાયમી રહેવાસી કેહવાય. (Permanent Residence)."
હવે જો હું એમને એમ કહું કે મને ખબર હતી તો એ ત્યાંજ લાલ - પીળા થઇ જાય ને મારો બુશટ ફાડી નાંખે. એટલે મેં હસતા હસતાજ જવાબ આપ્યો, "ઓહ..! બહુ સરસ કેહવાય." (દીવા કાકા પણ મારી અજ્ઞાનતા પર હસતા હોય એમ હસવા માંડ્યા.)
"તો તમે પણ ટીન્કી માટે 'ગ્રીનકાર્ડ' વાળોજ છોકરો શોધી લ્યો ને...!!" મારાથી બોલાઈ ગયું. થોડી વાર માટે તો મને એમ થયું કે મારાથી કંઈક બોવ મોટું 'બફાઈ' ગયું. પણ હું એ ભૂલી ગયેલો કે "ગ્રીનકાર્ડ" વિષે મારા કરતા એમને થોડી વધારે જાણકારી હતી અને તેઓ આજના જમાનાની નવી વિચારધારા ધરાવનારા હતા.
એમણે મારી પીઠ થાબડી (મને એમ લાગ્યું કે જાણે મારવાની કોશિશ કરતા હોય) અને કહ્યું, "અમથા, તને ખબર છે કે હું પણ ખાસ એટલા માટેજ તો ટીન્કી માટે ચણીયાચોળી ખરીદવા અહી આવ્યો છુ." એમની વાતને આગળ ધપાવતા એ બોલ્યા, "મેં સાંભળ્યું છે કે ત્યાં લગ્નમાં વિદેશથી (અમેરિકાથી) પણ અમારી જ્ઞાતિના ઘણા પરિવાર આવવાના છે. (આટલું સાંભળ્યા પછી મને થોડી રાહત થઇ કે હા....શ...!! માર ખાતા ખાતા બચ્યો). ટીન્કી પણ હવે પરણવા લાયક તો થઈજ ગઈ છે એટલે અમેરિકા સ્થિત એક-બે પરિવાર સાથે સબંધ ની વાત નાખવાની છે. જોઈએ કંઈક મેળ પડી જાય તો સારું.
"પણ છોકરો 'ગ્રીનકાર્ડ' ધરાવે છે...?" મેં સવાલ કર્યો.
એમણે પણ મને જવાબ આપતા કહ્યું, "એક છોકરો ધ્યાનમાં છે. એની પાસે હાલ તો 'ગ્રીનકાર્ડ' નથી પણ એવું જાણવા મળ્યું છે કે છોકરો છેલ્લા બે-ત્રણ વર્ષથી ત્યાંજ (અમેરિકા) અભ્યાસ કરી રહ્યો છે અને 'ગ્રીનકાર્ડ' મળ્યા પછી એ ત્યાજ સ્થાયી થવાનો છે. ("ગ્રીનકાર્ડ" મળ્યા પછી...) હવે જો બીજા બે-ત્રણ વર્ષની રાહ જોવા રહીશું તો ટીન્કી ની પણ ઉંમર વધતી જશે અને બીજું કે આવો મુરતિયો પણ પાછો મળે કે ના મળે, આવો સરસ પ્રસંગ જ્ઞાતિજનોને મળવાનો પણ પાછો આવે કે ના આવે, એના કરતા હમણાજ સમય અને મોકો બંને મળ્યા છે તો સબંધ પાકો કરી નાખીએ... તો શું અમથા, મારી અને તારા કાકી ની ચિંતા મટે અને ટીન્કી ના પણ સમયસર લગ્ન થઇ જાય."
આટલું સાંભળ્યા પછી મેં એમને વિનમ્રતાથી કહ્યું કે, "દીવા કાકા, તમારી વાત સહેજ પણ ખોટી તો નથીજ." (એકદમ સાચી છે એવું કહેતા હું થોડો ખચકાયો).
બસ આટલી વાતો કરીને અમે ત્યાંથી છુટા પડ્યા અને બીજે દિવસે એ લોકો રાબેતા મુજબ સહપરિવાર અમદાવાદ જવા નીકળ્યા. સાચું કહું તો એમની વાતો સંભાળવામાં તો થોડી સારી લાગી પણ મારું મન થોડું કચવાયું હતું પરંતુ ઉંમરના તફાવત ને લીધે એમને મારાથી કાંઈ કેહવાયું નહિ. હા... પણ એ પછી મારા નાનકડા મગજમાં કંઈક મોટો વિચાર ઉપસી આવ્યો હોય એવું મને લાગ્યું.
આજે તમે સમાજમાં કે તમારી આજુબાજુમાં નજર ફેરવીને જોશો તો તમને પણ દીવા કાકા જેવા દિવસે સપના જોવા વાળી વ્યક્તિઓ ઘણી જોવા મળશે. અને આવા લોકો અમેરીકા નોજ અને લંડન નોજ એક સારો સબંધ શોધવામાં ને શોધવામાં પોતાનાજ શહેર કે વતનના સેંકડો સબંધો ને લાત મારતા સહેજ પણ ખચકાતા નથી હોતા. અને આવું કરતી વખતે તેઓ કદાચ એ ભૂલી જાય છે કે એમની આવી હઠ (જીદ) ને લીધે એમની દીકરીની ઉંમર અને સમય બંને ખુબજ ઝડપથી પસાર થતા જાય છે અને આખરે પસ્તાવાનો વારો આવતો હોય છે. દરેક સાથે આવું નથી બનતું પરંતુ પોતાના વામન વિચારોને વળગી રેહનાર સાથે આવું અચૂક બને છે. અને તેના ઉદાહરણો પણ તમને તમારી આસપાસમાંજ તમને જોવા મળશે. આજ કાલના છોકરા - છોકરીઓને અને ખાસ કરીને એમના જુનવાણી માં - બાપને વિદેશનો મોહ લાગી ગયો હોવાથી મોટા ભાગના છોકરા છોકરીઓ આજે વિદેશમાં સ્થાયી થવા માંડ્યા છે. છોકરાઓ વિદેશમાં ભણવા માટે જઈ અને ત્યાંજ સ્થાયી થઇ જતા હોય છે અને પછી એની સાથે કોઈ છોકરીને પણ લગ્ન કરીને સાથે લઇ જાય છે. (આલોચના નથી કરતો પણ અમુક સમાજમાં અને પરિવારોમાં છેલ્લા કેટલાક સમયથી આ મુજબની 'સીસ્ટમ' શરુ થઇ ચુકી છે.
આજે મોટા શહેરોનું પણ એટલુજ મહત્વ વધવા માંડ્યું છે. શહેરની છોકરીઓ વિદેશમાં પરણે છે, કે પછી પરણાવાય છે (જે કહો તે) અને બીજી બાજુ ગામડાની છોકરીઓ શહેરમાં પરણે છે કે પરણાવાય છે. કેહવામાં કે લખવામાં કોઈ અતિરેક નથી કરતો પણ આ જ આપળા આજના નવા સમાજની (Latest Society) એક કડવી સચ્ચાઈ છે. આ બધું જોઈ - સંભાળીને મારા જેવા ગામડાના છોકરાનું તો બિચારાનું હૃદય ભાંગી પડે અને મનોમન બોલી ઉઠે, "સાલું, આપણે ઘોડે ચઢવા માટે છોકરી જંગલોમાં ફરી ફરીને ગોતવી પડશે કે શું...?" એ બધી વાતો જવા દો... નહીતર આકાશ રૂપી લાગણીઓનો ઉભરો આવશે તો અહીજ એક 'મહાનિબંધ' લખાઈ જશે.
અહી આપણે એવા પરિવારો અને છોકરીઓની વાતો કરવાની છે કે જે પરણીને વિદેશ જવા મટે રવાના થતી હોય કે રવાના કરાતી હોય. મિત્રો, આજે આપણા સમાજના કેટલાક જુનવાણી લોકોમાં એવી "લેટેસ્ટ" વિચારધારા ઘર કરી ગઈ છે કે પોતાની લાડકવાયી બાળકી મટે એવો મુરતિયો શોધવો કે જે લંડન કે પછી અમેરિકા, એટલેકે વિદેશમાં સ્થાયી હોય (રૂપિયા અને ભણતર તો હવે આજ કાલ સામાન્ય જરૂરીયાત બની ગઈ છે). વાત આટલેથી નથી આટકતી. પણ બિચારી 'દીકરી' ને પણ સમજતી થાય ત્યારથી આવાજ સ્વપ્નો દેખાડવામાં આવે છે.
હવે હું આમારા ગામનીજ એક છોકરીની વાર્તા કરું (નામ ન આપવાની શરતે). દેખાવે ખુબજ ખૂબસૂરત - ઐશ્વર્યા જેવી પણ દીદાર એના મલ્લિકા શેરાવત અને રાખી સાવંત જેવા. અને નાખરાતો એવા કે અહી લખીજ ન શકાય. કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સ્કુટી પર સન્ન...... કરીને અમારા ઘરની બહારથીજ રોજ (હા..રવિવારે પણ) પસાર થતી હતી અને એની પાછળ પાછળ બે-ચાર બાઈકો પર પાંચ-સાત લબરમૂછીયા ફરર...... કરતા કરતા અને જોશથી હોર્ન વગાડતા વગાડતા જતા હતા. થોડા દિવસો પછી મને ઉડતી ઉડતી વાત મળી કે એ છોકરી ગામના નાકે આવેલા બારમાસીના બાગની બહાર પોતાનું સ્કુટી પાર્ક કરીને એના પ્રેમી સાથે બારેમાસ ફરતી જોવા મળે છે. આ વાત એ છોકરીના બાપાને ખબર પડી કે તરતજ બીજે મહીને એનું સગપણ કરી નાખ્યું...!! (અરે... જરા થોભો તો ખરા...! મારી વાત તો પૂરી થવા દો...). સગપણ પેલા બારમાસીના બાગમાં એની સાથે ફરતા છોકરા સાથે નહીં પણ એમનીજ જ્ઞાતિના બીજા કોઈ છોકરા સાથે... (ઓહો....! એવું છે......!!)
થોડા દિવસ પછી દીવા કાકા ખબર લઈને આવેલા કે એ છોકરીના જેની સાથે લગ્ન થવાના છે તે મુરતિયો અમેરિકા રહીને પોતાનો અભ્યાસ પૂરો થવાની અને "ગ્રીનકાર્ડ" મેળવવાની રાહ જુવે છે. તેઓ (દીવા કાકા) કદાચ પેલી છોકરીના વ્યક્તિત્વથી (Character) અજાણ હતા એવું મને લાગ્યું. એમની પાસેથીજ મને એ પણ જાણવા મળ્યું હતું કે પેલી ઐશ્વર્યા જેવી દેખાતી છોકરી ના લગ્ન જેની સાથે થવાના છે એ છોકરો ભણેલો - ગણેલો અને પૈસાદાર પણ છે. પણ એ છોકરાને માથે વાળ નથી, મતલબ કે થોડા ઓછા છે (અડધું નારીયેલ ચોલેલું હોય એવા). વજન એંસી કિલોગ્રામ જેટલું છે અને ઊંચાઈ પણ પ્રમાણસર છે. અને હા.. આંખે ચાર નંબરનાં ચશ્માં પેહરે છે. બસ... બાકી બધુંજ બહું સરસ છે. સબંધ થવાથી છોકરા અને છોકરી બંનેનો પરિવાર ખુબજ ખુશ હતો. પણ છોકરીના વિષે ન તો દીવા કાકાને કંઈ ખબર હતી કે ન તો મને. આ વાત જયારે દીવા કાકા બોલી રહ્યા હતા ત્યારે કાકી અને ટીન્કી પણ એમની સાથેજ હતા.દીવા કાકાની વાતો સંભાળીને મને જરા અચરજ થયું અને વિચાર આવ્યો કે, દેખાવે ઐશ્વર્યા જેવી અને દીદારે મલ્લિકા શેરાવત જેવી દેખાતી પેલી છોકરી અને સરસ મઝાના તાજા જન્મેલા મદનિયા (હાથીના બચ્ચા) જેવો દખાતો છોકરો, એ બે માંથી સાલું વધારે નસીબદાર કોણ...?? (બે પ્રશ્નાર્થ (?) એટલા માટે મુક્યા કારણકે વિચાર બંને માટે સરખોજ આવ્યો). હજુતો હું વિચાર કરતો હતો ત્યાજ દીવા કાકા બોલી ઉઠ્યા, "અમારી ટીન્કી માટે પણ આવુજ એક પરિવાર મળીજાય તો કેવું સારું...!" (દીવા કાકા નો કહેવાનો મતલબ હતો કે અમેરિકા સ્થ્યાયી હોય એવું પરિવાર). દીવા કાકાના મોઢે આવું સંભાળીને મને સહેજવાર માટે તો બિચારી ટીન્કી પર દયા આવવા માંડી. દયા એટલા માટે નોહતી આવતી કેમકે મારે ટીન્કી સાથે ટાંકો ભીડાવવાનો હતો . ટીન્કી તો મારા કરતા પણ બે વર્ષ ઉંમરમાં મોટી હતી અને ભણેલી - ગણેલી, સુંદર, શુશીલ અને થોડી સંસ્કારી પણ. (મને જરૂર જણાયું એટલે કહ્યું કારણકે તમે પાછા વાંચતા વાંચતા બીજા વિચારો પર ના ચઢી જાવ). હા.... તો હું ક્યાં હતો...? હા.. યાદ આવ્યું. મારા હૃદયમાં ફાળ તો ત્યારે પડી જયારે ટીન્કીએ પણ દીવા કાકાના સુર માં સુર પુરાવતા કહ્યું, "છોકરો ભલે થોડો જાડો - પતલો હોય કે પછી બહુ દેખાવડો ના હોય તો પણ ચાલશે, પણ જો અમેરિકાનો હોય તો 'લાઈફ' બની જાય ને...!!"
દીવા કાકા, કાકી અને ટીન્કી તો આટલી વાતો કરીને જતા રહ્યા પણ એ પછી મને મારા પોતાના પર દયા આવવા માંડી અને મનોમન સવાલ કરી નાંખ્યો, "સાલું, સુંદર, શુશીલ અને સંસ્કારી હોવા છતાં અને આટ-આટલું ભણવા - ગણવા છતાં 'મને' છોકરી કોણ આપશે...?" કેહવાય છે કે આપણી ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ આપણી ગુજરાતની સંસ્કૃતિ ખુબજ પવિત્ર અને વખણાયેલી છે. ભારતીય સંસ્કૃતિ પોતાની 'સભ્યતા' અને 'પવિત્રતા' માટે અને ભારતીય નારી પોતાની 'પતિવ્રતા' માટે આખી દુનિયામાં જાણીતી છે. કદાચ એટલેજ તો અમેરિકા વાળા દીકરાઓ આપણી દીકરીઓને લગ્ન કરીને પોતાની સાથે આપણી સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે લઇ જતા હશે.... હેં'ને...?? પણ ખરેખર એવું જરાય નથી. જયારે આવા કોઈ લગ્નપ્રસંગમાં હું જાઉં છું અને જયારે લગ્ન પતી ગયા બાદ જોઉં છું કે છોકરીને વળાવવાનો સમય આવે છે ત્યારે છોકરી, એના માતા - પિતા અને પરિવારના દરેકે દરેક સભ્યની આંખો અમૂલ્ય લાગણીઓના આંસુડાથી છલકાઈ આવે છે. અને કદાચ આજ બાબત આપણી 'બેદાગ' સંસ્કૃતીને પારખવા અને પરખાવવા માટે પૂરતી છે. કેહવાય છે કે વિદેશમાં આપના ભારત દેશના જેવી સંસ્કૃતિની ઝાંખી જોવા નથી મળતી. અરે, એટલે સુધી કે આપણો સગો દીકરો કે દીકરી પણ, કે જે વર્ષો - વર્ષ આપણી પોતાની છત્ર છાયામાં અને આપણીજ સંસ્કૃતીના પડછાયા હેઠળ પાલન-પોષણ થયું હોવા છતાં વિદેશમાં જઈને બદલાઈ જતા હોય છે કે બદલાઈ જતી હોય છે. અને એટલા માટેજ હું જયારે પણ ઐશ્વર્યા જેવી દેખાતી પેલી અમારા ગામની 'રૂપસુંદરી' ટીન્કી જેવી શુશીલ અને સંસ્કારી છોકરીની આંખોમાં વિદાય વખતના આંસુ જોઉં છું ત્યારે એવું લાગે છે કે એ આપણી ભારતીય સંસ્કૃતીને ભારતમાંજ કાયમને માટે મુકીને અને આંસુ રૂપી લાગણીઓનો ઘડો અહીંજ ખાલી કરીને વિદેશ જતી હોય.....!!
મુદ્દાની વાત કરું, તો ટીન્કી, અને ઐશ્વર્યા જેવી દેખાતી પેલી છોકરીઓ અને એમના પરિવારોની વાતો સાંભળી અને જોઇને એમના જેવા દરેક પરિવાર વિષે મારા મનમાં જાણેકે એવો અભિપ્રાય બંધાઈ ગયો કે જાણે એમનો તો બસ એકજ જીવનમંત્ર હોય,
"વેશ ના જોયા..... મેં તો વિદેશ જોયા.....!!"
દીવા કાકા જેવા સમાજના ઘણા પિતા, કાકી જેવી ઘણી માતા અને ટીન્કી જેવી ઘણી છોકરીઓ આજે વિદેશ જવા માટે આકર્ષાઈ રહ્યા હોય તો તેનું મને તો ફક્ત એકજ કારણ જવાબદાર લાગે છે અને એ છે આપણી બદલાતી જતી માનસિકતા, સભ્યતા અને સંસ્કૃતિ. જે સંસ્કૃતિ અને સંસ્કારો પ્રતિ આપણાં પૂર્વજો ગર્વની લાગણી અનુભવતા હતા એમના સંતાનો આજે એ સંસ્કૃતિ અને સંસ્કારોને યાદ કરવામાં ભલે પ્રથમ નંબરે આવતા હોય પરંતું એને નિભાવવામાં અને અપનાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડતા જણાય છે. દરેક માં-બાપ એવુજ ઈચ્છતા હોય છે કે પોતાની દીકરીના લગ્ન એક સારા પરિવાર અને સુંદર, શુશીલ અને સંસ્કારી છોકરા સાથે થાય, અને એમાં ખોટું પણ જરાય નથી. પણ ખોટું તો ત્યારે થાય છે કે જ્યારે એજ માં-બાપ પોતાની દીકરીને પૈસાદાર, વગદાર અને વિદેશી પરિવારમાં પરણાવવાની લ્હાયમાં ને લ્હાયમાં પોતાની સંસ્કૃતી અને સંસ્કારોને ઘડીભર માટે નેવે મૂકી દેતા સે'જ પણ ખચકાતા નથી હોતા. અને તેનું પરિણામ તેમને થોડાજ સમયમાં મનદુઃખ, ઝઘડો, કંકાસ કે પછી ક્યારેક છુટા-છેડા સુધી ખેંચી જતું હોય છે. (પૂર્ણવિરામ)
- અમિત શાહ
૭ ફેબ્રુઆરી, ૨૦૧૨.
ટચુકલો :
ધનુ: પપ્પા, અહીંની છોકરીઓ લગ્ન કરીને અમેરિકા જાય, તો પછી અમેરિકાની છોકરી અહી કેમ ના આવે...?
પપ્પા: બેટા ધનુ, "ગ્રીનકાર્ડ" મળે પછી 'અમેરિકાની' છોકરી અહી આવે... એક વાર તો જરૂર આવે.
No comments:
Post a Comment